નૂરે ગઝલ

આંખડી છેડે સરગમ, હૃદય તાલ દે, અંતરો ગાય પંચમના સૂરે ગઝલ;
દર્દ અંગડાઇ લે, પ્રેમ ઝૂમી ઊઠે, રૂપ ઝણકાવે પાયલ ને સ્ફુરે ગઝલ.

દૃશ્ય સર્જાય મોંઘું મિલનનું અને સાથિયા ચાંદ-સૂરજના પૂરે ગઝલ;
દોર ગોઝારો જામે વિરહનો અને રાતના ઘોર સન્નાટે ઝૂરે ગઝલ.

ઊર્મિઓને કશું ક્યાંય બંધન નથી,લાગણી મુક્ત છે સ્થળ અને કાળથી;
બુલબુલોએ રચી ગુલશનોમાં અને આમ્ર-કુંજોમાં ગાઇ મયૂરે ગઝલ.

બે ધડકતા દિલોની કહાણી બને, રંગ ભીની કરુણાની લ્હાણી બને,
પ્રેમ ને રૂપની દિવ્ય વાણી બને, તો જ પહોંચી શકે દૂર દૂરે ગઝલ.

દેહના કોડિયે, પ્રાણની વાટને, લોહીમાં ભીંજવીને જો બાળી શકો,
તો જ પ્રગટી શકે દર્દની મ્હેફિલે, દિલને રોશન કરે એવું નૂરે ગઝલ.

જન્મ-મૃત્યુ છે, મત્લા ને મક્તા ઉભય, શ્વાસના કાફિયા, જિંદગીનો વિષય ;
રંગ લૌકિક છે પણ અલૌકિક લય , ગાય છે ‘ શૂન્ય’ ખુદની હજૂરે ગઝલ.

-“શૂન્ય” પાલનપુરી

Advertisements

First blog post

નમસ્કાર મિત્રો!

આજથી ગુજરાતી ગઝલોને માણવા માટે બ્લોગ શરૂ કરી રહ્યો છું ત્યારે મને ગઝલથી વધુ નજીક જવાનો આનંદ મળશે એ વાતની ખુશી વધુ છે. મને ગઝલમાં સતત રસ લેતો કરી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપતા વડીલ કવિ મિત્રો શ્રી અશોક જાની ‘આનંદ’ અને શ્રી પ્રવીણ શાહના આશીર્વાદથી આ બ્લોગ શરૂ કરવાનું સાહસ કર્યું છે ત્યારે આપ સૌ ગઝલરસિક મિત્રોનો સહકાર મળી રહેશે એવો વિશ્વાસ છે.

આ બ્લોગનો આશય ગઝલને વધુ લોકપ્રિય બનાવવાનો અને વધુ લોકો સુધી પહોંચાડવા ઉપરાંત તેના પુસ્તકોની પ્રસિધ્ધિને પ્રોત્સાહન આપવાનો પણ છે. તેથી મારી વિનંતી છે કે કોઇપણ ગઝલકારનો સંગ્રહ બહાર પડે તેની જાણ કરશો. તે ગઝલ સંગ્રહ આ બ્લોગ દ્વારા ખરીદાશે. ફક્ત ગઝલના નવા / ગઝલકારના છેલ્લા પુસ્તક પ્રકાશનની જાણ ગઝલ રસિક/ ગઝલકાર / પ્રકાશક દ્વારા ઇમેલથી આ બ્લોગરને કરવાની રહેશે. આ બ્લોગને તેની જાણ થયેથી એક માસમાં ગઝલસંગ્રહ ખરીદવામાં આવશે અને તેમાંથી પ્રકાશનની વિગતો સાથે બ્લોગ પર એ ગઝલકારની ગઝલ મૂકવામાં આવશે.

આ સાથે ગઝલકાર મિત્રોને તેમની તાજી રચનાઓ ગઝલધારા માટે મોકલવા પણ સ્નેહભર્યું ઇજન છે.

આપના સૂચનો આવકાર્ય છે.

રાકેશ ઠક્કર, વાપી

gazaldhara@gmail.com