કેમ આવું?

છે ઉદાસી આંગણામાં કેમ આવું?
આગ લાગી વાદળામાં કેમ આવું?

પાંપણો વચ્ચે હવે ભમવું છે મારે,
પત્થરો છે બારણામાં કેમ આવું?

રોજ બોલાવીને ધુત્કારે પછી તું,
પ્રેમથી શુભકામનામાં કેમ આવું?

જિંદગીભર લાખ અરમાનો જે સેવ્યા,
એ બળે છે તાપણામાં કેમ આવું?

કોણ જાણે શું હશે તારા વિચારો,

તે લખેલા ચોપડામાં કેમ આવું?

– પ્રશાંત સોમાણી

(ગઝલ સંગ્રહ ”તારા હાથથી” માંથી સાભાર. પ્રાપ્તિ સ્થાન : પ્રશાંત સોમાણી, ૨૦૩, શ્રી રાજ એપાર્ટમેંટસ, બી-૭૨, શ્રીરામ ક્રિષ્ણા સોસાયટી, લંબે હનુમાન રોડ, સુરત. કિંમત રૂ.૧૫૦/-)

સંપર્ક- somaniprashant115@gmail.com

 

Advertisements

છળ નહીં કરું

ફૂલો બનીને હું કદી, છળ નહીં કરું,
કાંટા છુપાવી હાથમાં, બળ નહીં કરું.

ને પીઠ પાછળ વાર, તું મળ, નહીં કરું,
સામી જ છાતીએ કરું, કળ નહીં કરું.

શૃંગારની રુપમાં કદી ભેળસેળ નહિ,
મ્હોરાં પહેરીને કદી, છળ નહીં કરું.

ખુદ હું જ છું સૂરજ, ઉછીનું કશું નથી,
અફવા હતી કે આમ ઝળહળ નહીં કરું.

ને દાવ પર લાગી ભલે જિંદગી હવે,
બાજી સમેટી લઈશ હું, પળ નહીં કરું.

– દિનેશ દેસાઇ 

રણકાવી જશે!

આમ કોઈ બારણે આવી જશે,
આંસુઓથી આભ છલકાવી જશે!

ફૂલ જેવી ચૂમીઓથી દ્વાર પર,
લાગણીના ચાંદ ચમકાવી જશે!

ના હવે હું લાગ નહીં છોડું જરા,
પોંખતાં જો બાથ માં આવી જશે!

“કેમ છો” પૂછી ને એ સ્મિત વેરશે,
તાર દિલના એમ રણકાવી જશે!

– વિજય પાઠક ‘અમિત’

રંગત રાખી છે

તંદુરસ્તીને સલામત રાખી છે,
ચાલવાની એક આદત રાખી છે.

ઘર સજાવ્યું છે વફા ને પ્યારથી,
દોસ્તોએ આજ દાવત રાખી છે

લક્ષ્ય પર પહોચું, ઇરાદો એ જ છે,
કોઇ પણ હો રાહ, નિસ્બત રાખી છે.

સર્વદા અખિલાઇ રમતી આંગણે,
છાંવ-ધૂપની ભવ્ય રંગત રાખી છે.

લોક એને જોઇ હેરત પામશે,
એટલે ઢળતી ઇમારત રાખી છે.

– પ્રવીણ શાહ

ગમે છે

ગમે છે જીવનની હરેક પળ ગમે છે,
મને ફૂલ ગમે છે ને ઝાકળ ગમે છે.

એ ચમકાવતાં ને ગરજતાં વરસતાં
મને ઘોર કાળા, એ વાદળ ગમે છે.

ખુલા આસમાને ભરું છું ઉડાનો,
છતાં થોડા સંયમની સાંકળ ગમે છે.

ગમે છે દીવાળીના ટમટમતા દીવા,
ચકાચૌંધ આંખો ને ઝળહળ ગમે છે.

ગમે બાળ ચહેરા પર સુરખી ગુલાબી,
અને વૃદ્ધ ચહેરે પડ્યાં સળ ગમે છે.

કેલેન્ડરના પાનાની નિશ્ચિતતા પણ,
અનિશ્ચિત એ મોસમની અટકળ ગમે છે.

જે મિત્રો સહિત કરવો ‘આનંદ’ કાયમ,
કદી એમના એ કપટ-છળ ગમે છે.

– અશોક જાની ‘આનંદ’

આપણો દેશ

આપણો દેશ ‘ને રાજ પણ આપણું પોતાનું,
એ સાચું છે પણ અફવા જેવું લાગે છે…
– ખલીલ ધનતેજવી
હોય વિધ્નો હોય કષ્ટો તોય પણ,
પ્રાણ મારા આ મુલક છે પ્યારનો…
– અમૃત ‘ઘાયલ’
હા સફર આપો અને એ પણ અથક આપો મને,
માર્ગમાં કિન્તુ નવા કોઇ મુલક આપો મને…
બરકત વિરાણી ‘બેફામ’
જ્યાં હું ન હોઉં એવા ઘણાંયે પ્રદેશ છે,
જ્યાં તું ન હોય એવો કોઈ પણ મુલક નથી…
– બરકત વિરાણી ‘બેફામ’
પારકા દેશમાં તારી યાદ આવતાં,
ઘર તો ઘર, આખેઆખો મલક ઊઘડે…
– ખલીલ ધનતેજવી

અત્તરની વારતા

સાગરની વારતા અને પથ્થરની વારતા
બચપણની સાથ ગૈ મરી દફતરની વારતા

એમાં તો ક્યાંય ઝેરનો ઉલ્લેખ પણ નથી
પાછા કહો છો એ હતી શંકરની વારતા

ફૂલોનો હાલ શું થયો જાણી જશે જો તું
સાચ્ચે જ નૈં ગમે પછી અત્તરની વારતા

નાસ્તિકપણું સ્વભાવથી અળગું થઈ ગયું
કોણે કહી હશે મને ઈશ્વરની વારતા

બાકી તો ‘પ્રેમ’ કોઈનું એવું ગજૂ નથી
આંખો જ વર્ણવી શકે ઝરમરની વારતા

-જિગર જોષી ‘પ્રેમ’

(ગઝલસંગ્રહ ‘…તને મોડેથી સમજાશે’ માંથી સાભાર.  કિંમત રૂ. 77/- પ્રાપ્તિસ્થાન :59, ગંગોત્રી પાર્ક, યુનિ. રોડ, રાજકોટ-360005)