દિશાઓ ફરી ગઈ…

તે પ્રેમઆગ, રુપનો લય કરી ગઈ,
સળગી ગયો પતંગ ને જ્યોતિ ઠરી ગઈ…

મારાં દિવસ ને રાત તો દ્રષ્ટિ છે આપની,
મુજ પર કદી ઠરી કદી મુજથી ફરી ગઈ…

શ્રધ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ ઉપર મને,
રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ…

હો કોટિ ધન્યવાદ વહાલી ઓ જિંદગી,
આવી વિકટ સફરને તું પૂરી કરી ગઈ…

મારો વિકાસ મંદ છતાં શાનદાર છે,
દુનિયા તો જેમ તેમ બધે વિસ્તરી ગઈ…

જીવી ગયો તમારી મહોબ્બતનાં આશરે,
જૂઠી વિગત જહાનમાં સાચી ઠરી ગઈ…

છે મારું દિલ ‘ગની’, અને દુનિયાની જીભ છે,
ચીરી ગઈ કોઈ કોઈ બખિયા ભરી ગઈ…

– ગની દહીંવાળા

Advertisements