મારા હાથમાં

એક પરપોટો ફૂટ્યાની દાઝમાં
નાવ ખટકી ગઈ નદીની આંખમાં.

એટલી ડાળો ઉપર છે બેસણાં
જેટલાં ફૂલો છે આ ફૂલછાબમાં

શું ભૂલ્યો છું એય ભૂલી જાઉં હું
ભૂલવું જો હોય મારા હાથમાં.

એકપણ શેઢો સલામત ના રહે
એટલાં છીંડાં પડ્યાં છે વાડમાં.

હાશ ! આવી શ્વાસને અડકી જ ત્યાં !
અંત પલટાઈ ગયો શરૂઆતમાં. 

– ચંદ્રેશ મકવાણા

Advertisements

તંબૂરાના તારમાં

કેમ ખોવાયું છે મન તલવારમાં,
જાવ વેચી દો હવે ભંગારમાં !

છોડ વાતો સ્વર્ગની કે નર્કની,
એ બધું છે આપણા સંસારમાં.

આજ આવ્યો છું તમારી રૂબરૂ,
કાલ ફોટો આવશે અખબારમાં.

તું હવે વરસાદમાં ના’વા પડ્યો,
હું તો ભીંજાયો છું પ્હેલી ધારમાં.

ના કહે તો સમજી લેવું હા કહ્યું,
સો ટકા છે સંમતિ ઈનકારમાં.

છટપટાહટ વાંસળીના સૂરમાં,
ને તડપ છે તંબૂરાના તારમાં.

એ ખલીલ અંતે તો અંધારું જ છે,
આગિયા પીંખી જશે પલવારમાં.

ખલીલ ધનતેજવી

સીધી વાત કરું છું

આંખોમાં આંખો નાખીને સહુને સીધી વાત કરું છું,
ચહેરાનું પુસ્તક વાંચીને સહુને સીધી વાત કરું છું.

અડખે પડખે વેરાયેલી ક્ષણને સરખી ભરતાં ભરતાં,
ગમતી ક્ષણ બાજુ રાખીને સહુને સીધી વાત કરું છું.

દિલના ખેતરમાં પણ જ્યારે ઝરમરની થઇ જાય અછત તો,
વર્ષાનું ભાવિ ભાખીને સહુને સીધી વાત કરું છું.

રસ્તો સીધો સાવ સરળ કે મુશ્કેલીનો પહાડ તુટે,
ઉભો છું હું ધીરજ ધારીને સહુને સીધી વાત કરું છું.

અવસાદી પળમાં ચહેરા પર ‘આનંદ’નો છે વાસ હંમેશા,
સ્મિત સદાનું શણગારીને સહુને સીધી વાત કરું છું.

– અશોક જાની આનંદ

આ શહેર છે

Placeholder Image

ભીડમાં એકલપણું સંતાય છે, આ શહેર છે,

પડછાયા એડી તળે ચગદાય છે, આ શહેર છે.

રાત થઇ બેબાકળી શોધે અહીં અંધારને,

તેજ હકડેઠઠ બધે ઠલવાય છે, આ શહેર છે.

ચાલવાનું શિસ્તથી ધોળા ઉભા પટ્ટા મહીં,

પિંજરાની હાશ કંઇ વરતાય છે, આ શહેર છે.

નાકથી એક વ્હેંત છેટે તક સદા આગળ રહે,

દોડ એની એ, ઝડપ બદલાય છે, આ શહેર છે.

– કીર્તિકાન્ત પુરોહિત

(ગઝલ સંગ્રહ ”અંચઇ નઇં કરવાની” માંથી સાભાર. કિંમત રૂ.૧૨૫/- પ્રકાશક : શબ્દલોક પ્રકાશન, ‘સારસ્વત સદન’ ૧૭૬૦/૧, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ- ૩૮૦૦૦૧ Email: gujratibook@gmail.com Phone:079-22135560/61)

 

રાખે છે….

એમ થોડો લગાવ રાખે છે,
સ્વપ્નમાં આવજાવ રાખે છે…

ક્યાં એ આપે છે છૂટ્ટો દોર કદી,
હલકો હલકો તણાવ રાખે છે…

ફુલ શી જાત રક્ષવા માટે,
કાંટા જેવો સ્વભાવ રાખે છે…

એ તો દબડાવવા સમંદરને,
ફક્ત કાગળની નાવ રાખે છે…

ભૂલી ગઈ છે સુગંધી ઘટનાઓ,
યાદ એક અણબનાવ રાખે છે…

– હેમંત પુણેકર

માત્ર એક જ

કહે તે સ્વિકારું શરત માત્ર એક જ,
મને મારી ક્ષણ દે પરત માત્ર એક જ…

ચલો, મારી ભીતર ભર્યાં લાખ વિશ્વો,
તમે જોયું છે આ જગત માત્ર એક જ…

નથી દાવ ઊતરી શક્યો જીંદગીભર,
નહિંતર રમ્યા’તા રમત માત્ર એક જ…

ભરાયો’તો ક્યારેક મેળો અહીં પણ,
મને આ જગાની મમત માત્ર એક જ…

નથી યાદ ને હાથ પણ આજ ક્યાં છે?
ગઝલની હતી હસ્તપ્રત માત્ર એક જ…

– મનોજ ખંડેરીયા

સંશય છે…

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા ને હસવામાં અભિનય છે…

તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે,
આ મારું મન ઘણા વર્ષોથી મારામાં જ તન્મય છે…

તને મળવાનો છું એટલે હમણાં તો ચૂપ છું પણ,
ખુદા તારા વિશે મારાય મનમાં સહેજ સંશય છે…

મને જોઈને નજરને શું સિફતથી ફેરવી લ્યો છો,
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે…

હવે ક્યાં આગ્રહ છે કે ‘સૈફ’ સાકી હો મદિરા હો,
હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે…

– ‘સૈફ’ પાલનપુરી