દાસીપણું ફાવી ગયું

હુંપણું ફાવી ગયું કાજીપણું ફાવી ગયું ,
એમ નહીં તો તેમ તરવાડીપણું ફાવી ગયું .

માન રાખે એ બધા બાળક નથી કંઈ આપના
સાવ અમથું આપને વાલીપણું ફાવી ગયું .

હો ગુરૂ તો આંગળી શું ?હાથ ,મસ્તક આપતે
પણ અરે રે… દ્રોણને દાસીપણું ફાવી ગયું .

આરતી,પૂજા ,ઇબાદત, બંદગી થઈ જાત પણ
ક્યા શુકનમાં શબ્દને સાકીપણું ફાવી ગયું !

પેનમાં લોહી ભરી લખતા હતા શાયર ,તમે
શું તમારી શાહીને શાહીપણું ફાવી ગયું !

સામટા નઘરોળ દૈયરની સહીને ઠેકડી
હાય રે… ભાષા તને ભાભીપણું ફાવી ગયું !

—પારુલ ખખ્ખર

Advertisements

ઉધાર છે

કૈંક ખીંટીઓ ભલે તૈયાર છે,
ભીંત પર લટકી જવાની વાર છે.

ચાર દિવસ પ્રેમના પૂરા થયા,
ચાર એની યાદના ઉધાર છે.

શ્વાસ મેળવવા પડે છે પ્રેમમાં,
કુંડળીઓ મેળવો, બેકાર છે.

હર્ષમાં કે શોકમાં સરખા રહે,
આંસુઓ બહુ ફાંકડા ફનકાર છે.

માત્ર શંકાથી જ એ તૂટી ગયા,
કેટલાં નાજુક પ્રણયનાં તાર છે.

મન વિશે થોડું વિચાર્યું, તો થયું,
આ વિચારો કે ફરારી કાર છે ?

મોત, ‘ચાતક’ આવશે પૂછ્યા વગર,
દોસ્તનો એ આગવો અધિકાર છે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

વ્યવહાર હોવો જોઈએ

માગણીને જેટલો અધિકાર હોવો જોઈએ,
લાગણીનો એટલો વિસ્તાર હોવો જોઈએ.

કારણો ઘટના વિશેનાં જાણવા ચોક્કસ પ્રથમ,
સત્યનો એના પછી સ્વીકાર હોવો જોઈએ.

ઠાલવે છોને મહીં સાગર ચિન્તાઓ બધી,
જામ મસ્તીનો છતાં ચિક્કાર હોવો જોઈએ.

હોય જો ખૂંચી જવાનું મોહના કાદવ મહીં,
જળકમળવત આપણો વ્યવહાર હોવો જોઈએ.

આયખું નાનું છતાંયે ધન્ય એની જિન્દગી,
પુષ્પને તો ગંધનો ઉપહાર હોવો જોઈએ.
.- જિજ્ઞા ત્રિવેદી

ગઝલસંગ્રહ ‘અર્થના આકાશમાં’થી [કુલ પાન : 80. કિંમત રૂ. 40. પ્રાપ્તિસ્થાન : જિજ્ઞા ત્રિવેદી. ‘સંકલ્પ’ 1614 એ/1, રમણનગર, સ્વામિનારાયણ ગુરુકૂળ પાછળ, સરદારનગર. ભાવનગર-364001. ફોન : +91 9427614969.]

મારા હાથમાં

એક પરપોટો ફૂટ્યાની દાઝમાં
નાવ ખટકી ગઈ નદીની આંખમાં.

એટલી ડાળો ઉપર છે બેસણાં
જેટલાં ફૂલો છે આ ફૂલછાબમાં

શું ભૂલ્યો છું એય ભૂલી જાઉં હું
ભૂલવું જો હોય મારા હાથમાં.

એકપણ શેઢો સલામત ના રહે
એટલાં છીંડાં પડ્યાં છે વાડમાં.

હાશ ! આવી શ્વાસને અડકી જ ત્યાં !
અંત પલટાઈ ગયો શરૂઆતમાં

– ચંદ્રેશ મકવાણા

મદહોશ નાગ છું !

વૈશાખ-જેઠ માસની બળબળતી આગ છું
ઝરમર રૂપે તું આવે તો શબ્દોનો બાગ છું

આઘાત છે અતીતના ને ભાવિ ધૂંધળું…..
પળભરના તારા સંગનો હું રંગરાગ છું.

હમણાં તો ગૂંચળું નર્યું પળને કરંડિયે,
જેવા વહાવે સૂર તું, મદહોશ નાગ છું !

વરદાન દીર્ઘ આયુનું પહેલાં ગમી ગયું !
જાણ્યું અનુભવે કે હું એકાકી કાગ છું !

છે રામનાં રખોપાં એવું હું કહું અને
મંદિરની સીડી પર થતી હું નાસભાગ છું !

કૃપાકટાક્ષ મારી ઉપર તારો ક્યાં થયો !
હું આજની પળેય જો, યત્નો અથાગ છું !

માની લીધું નજીવું છે મારું વજૂદ, પણ
કોઈ વિરાટ યોજનાનો હુંય ભાગ છું !

– બકુલેશ દેસાઇ

પીંછાને હવે

ઊંઘ આવે ક્યાંથી બાળકનેય બીછાને હવે ?
વારતા એકેય આવડતી નથી બાને હવે.

એ પ્રભાતી બાળપણ, યૌવનની તપતી એ પળો,
યાદ આવે સાંજના આ વૃદ્ધ તડકાને હવે.

સૂર્યનું રણશિંગું ફૂંકાઈ ચૂક્યું છે ચોતરફ,
ચાલ, ડાહ્યો થઈ બુઝાવી નાખ દીવાને હવે.

ક્યાં હવામાં શિલ્પ કંડાર્યાનું તેં એને કહ્યું !
સ્હેજ પણ ધરતી ઉપર ગમતું ન પીંછાને હવે.

ચીસ મારી સાંભળીને પ્હાડ પણ ધ્રૂજી ઊઠ્યા,
કેમ પડઘાવું, નથી સમજાતું પડઘાને હવે.

– અનિલ ચાવડા

સોંસરવી હતી

વાત મારે સાનમાં કરવી હતી,
આંગળી તારા ભણી ધરવી હતી.

મેં અરીસાઓ બધા રંગી દીધા,
જાતને આમેય છેતરવી હતી.

બાગમાં હું સાવ ધીમેથી ગયો,
ખુશ્બુઓને બાનમાં કરવી હતી.

મોહરું તરડાઈને તૂટી ગયું,
એ નજર પણ તેજ સોંસરવી હતી.

મેં જ મારું મોં પછી જોયું નથી,
વાસ્તવિકતા એટલી વરવી હતી.

– મકરંદ મુસળે

[ કુલ પાન : 70. કિંમત રૂ. 150. પ્રાપ્તિસ્થાન : બુકપબ ઈનોવેશન્સ. હિંગળાજ માતાનું કંપાઉન્ડ, મનમોહન કોમ્પ્લેક્સની પાછળ, નવરંગપુરા પોલીસ સ્ટેશનની ગલીમાં, નવરંગપુરા. અમદાવાદ-380009. ફોન : +91 79 26561112. ઈ-મેઈલ : info@bookpub.in ]