ફણગો બનીને ફૂટવું હોય ત્યારે

ફણગો બનીને ફૂટવું હોય ત્યારે,
ધરતીની સામે બીજ માથું ઉપાડે.
 
હૈયાની આજે કોને પરવા રહી છે?
ગજવું નિહાળી પ્રેમ થાતો જણાશે!
 
પર્ણોને ખરવાની મોસમ હોય નિશ્ચિત,
માણસનું ખરવું ક્યાંક થાતું કટાણે.
 
મારી દિવાલો કાન માંડી સૂણે છે,
જઇને કહેજે બહાર વહેતી હવાને,
 
દોડી જવાનું રોજ સામે પવનમાં,
અહીં ‘કિર્તી’ પણ મળવાની નહોતી પરાણે!

કીર્તિકાન્ત પુરોહિત
(ગઝલ સંગ્રહ ”મુકામ પોસ્ટ ગઝલ” માંથી સાભાર. કિંમત રૂ.૧૨૫/- પ્રકાશક : શબ્દલોક પ્રકાશન, ‘સારસ્વત સદન’ ૧૭૬૦/૧, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ- ૩૮૦૦૦૧ Email: gujratibook@gmail.com Phone:079-22135560/61)

Advertisements

ઘૂંટી શકે

તમે શબ્દ લઈ લો તો છૂટી શકે
અને આ કહાણીય ખૂટી શકે

પ્રતિબિંબ ક્યારેય તૂટતા નથી
ફક્ત કાચ દર્પણના તૂટી શકે

જતા શ્વાસ રોકાઈ પાછા વળે
કોઈ એવું ઔષધ જો ઘૂંટી શકે

હશે ઘરમાં લૂંટાઈ જાશે બધું
સ્મરણમાં હો એને ન લૂંટી શકે

પુરાતન ગણી વાવ પૂરી ન દો
હજુ કોઈ સરવાણી ફૂટી શકે

-હરકિશન જોષી

ઊંડાઈ

તું તને જોઈને ન શરમાઈ,
એવી તે કેવી આ અદેખાઈ ?

આમ કૂવો ને આમ છે ખાઈ,
થઈ જશે આ જીવનની ભરપાઈ.

એવી પણ હોય છે અખિલાઈ,
જ્યાં જુઓ ત્યાં બધે છે તન્હાઈ.

એ છે હૈયું, નથી એ દરિયો કે,
માપવા નીકળે તું ઊંડાઈ.

તું જ આગળ ને તું જ પાછળ છે,
એટલે તો તને તું અથડાઈ.

એટલે તો ઉદાસ છે લોકો,
મારી ઈચ્છા બધાંને વ્હેંચાઈ.

-રવીન્દ્ર પારેખ

અભિનય ના કરાવો

પગરવ સુણાવો અથવા નીરવતાને બુઝાવો,
કાં તો અમીરી દ્યો કાં ગરીબીને હટાવો.

નાહક ન એને રણના તમે પાઠો ભણાવો,
પહેલાં બિચારાં જળને બરફ શું છે બતાવો

તારા સિવાય ક્યાંયે નથી ઠરતું હવે મન,
આ છે પ્રભાવ તારો કે છે મારા અભાવો.

એ છે સહજ ને એને સહજતાથી થવા દો,
કોઈ રીતે ગઝલને અભિનય ના કરાવો.

લખવા કે બોલવાનું રહે કંઈ ના પછીથી,
એકાદ લીટી અમને કદી એવી લખાવો.

– અશરફ ડબાવાલા

ઘર બળે છે

ન્યાય સાચ્ચો જોઉં ત્યારે કળ વળે છે.
કોણ છે જે ધીમું પણ ઝીણું દળે છે ?

યુદ્ધ ખેલાતાં રહ્યાં છે અન્ન માટે,
ને અમીરો ખાય તો કેટલું ઢળે છે ?

સાંભળ્યું છે ઓઉમ કે અલ્લા કદી પણ ?
ચીસ એનો ધર્મ જેનું ઘર બળે છે.

દૂધ શિવ પરથી જતું ઊંડી ગટરમાં,
ને ગરીબો બહાર ભૂખથી ટળવળે છે.

શું ખબર ક્યારે થશે પૂરી સફર આ ?
શોધું છું વર્ષોથી, માણસ ક્યાં મળે છે ?

– સંજય ચૌહાણ

દોષ ના આપો

નથી મંઝિલ મળી એનો ચરણને દોષ ના આપો
કશું દેખાય ના તો આવરણને દોષ ના આપો.

હકીકત છે તમે એકેય પણ બારી નથી ખોલી
બધે અંધાર છે ઘરમાં કિરણને દોષ ના આપો

નજર સામે પડેલું સત્ય સમજાતું નથી એને
લખ્યું વાંચી નથી શકતો અભણને દોષ ના આપો

નથી સંભવ હિસાબો રાખવા વીતેલ વરસોના
ઘણું ભુલાય છે એમાં સ્મરણને દોષ ના આપો

કશું ના બહારથી આવે, અનર્થો હોય છે ભીતર
મળે જો શાપ તો વાતાવરણને દોષ ના આપો

ન ચેતવણી કશી, ના કૈં સમય આપે, ઉપાડી લે
ફરજ આધીન વર્તન છે મરણને દોષ ના આપો

– ઉર્વીશ વસાવડા

સમજવાનું અઘરું છે

વણ કહેવાતી વાત સમજવાનું અઘરું છે
મૂંગો ઉલ્કાપાત સમજવાનું અઘરું છે.

આકાશે તો ઊગ્યા કરતાં મેઘધનુષો,
રંગોની ઠકરાત સમજવાનું અઘરું છે.

આંખો ફોડી જોવાથી ક્યાં ઉકલતું કંઈ ?
ભીતર પડતી ભાત સમજવાનું અઘરું છે.

આંધીનું રમખાણ હજીયે રોકી શકશો,
મનના ઝંઝાવાત સમજવાનું અઘરું છે

રૂડા ચહેરા દેખી નાહક ના ભરમાશો,
અંદરના આઘાત સમજવાનું અઘરું છે

કોણ જગાડે ? કોણ અહીં આવી પંપાળે ?
કોણ કરે બાકાત ? સમજવાનું અઘરું છે

ના દેખાતા, ના પેખાતા એક તત્વને,
કેવળ રાતોરાત સમજવાનું અઘરું છે.

– નીતિન વડગામા