થવાય ના

મોકો મળે છતાંયે બોલી શકાય ના,
મેળાપ આ પ્રથમ ને – હદથી વધાય ના.

‘ચાલો ફરી મળીશું’ કહીને ઊભો થયો,
આંખો કહી ઊઠી એની કે જવાય ના.

ઊતરી જુઓ જરા તો એ શક્ય થાય છે,
ઊતર્યા વિના સ્વયંમાં ખુદને મળાય ના.

કિસ્સા ઘણાય એવા જીવનમાં હોય છે,
કહેવાય ના કશે પણ, શબ્દમાં ઢળાય ના.

ઝરણું, નદી, સમય શું આપ? કહો મને,
એક વાર જાવ તો શું પાછા ફરાય ના?

હર વાતની જગત માગે સાબિતી સહજ,
ઈશ્વર છું એમ કહીને ઈશ્વર થવાય ના.

મળતો નથી ‘પથિક’ને રસ્તો વળાંક પર,
આગળ વધાય ના, કે પાછું વળાય ના.

– જૈમિન ઠક્કર ‘પથિક’

(‘ચાલને, રોકાઈએ…!’માંથી સાભાર)

Advertisements

ઓછો હોય છે

લક્ઝૂરીયસ સમય જેનો હોય છે.
ટક્કર મારી ને ક્યાં ઊભો હોય છે,

જોયા કરવું મળે જો તકદીરમાં ,
અનુભવ પણ સ્પર્શનો ઓછો હોય છે.

ઈશ્વરનો અંશ છું, હું ઈશ્વર નથી,
કણ કણમાં હોય ને થોડો હોય છે.

મારી સાથે તમે થોડું ચાલશો?,
સારો પ્રસ્તાવ પણ મોડો હોય છે.

તારું અસ્તિત્વ છે મારા હાથમાં,
દાદાગીરીનો આ દાવો હોય છે.

ધીરે ધીરે સમય ચાલ્યો જાય તો,
ઝાઝીને ક્યાં કદી વાંધો હોય છે.

-ચિરાગ ઝા “ઝાઝી”

ઉપવન સુધી

આંખથી દૃશ્યો ગયાં છે મન સુધી,
આગ પહોંચી ગઇ હવે ઉપવન સુધી.

એ પછી એકાંતમાં જઇને રડ્યાં,
જે મને છોડી ગયાં નિર્જન સુધી.

મીણ ક્યાંથી થાય એ પથ્થર મટી !
કાકલૂદી ગઇ ભલે ક્રંદન સુધી.

ટેરવેથી સ્પર્શ તો પાછા વળ્યા,
ક્યાં ભુજાઓ ગઇ છે આલિંગન સુધી !

એ જ છે મારા પ્રયાસો કે હવે,
આ તરસ ના જઇ શકે તડપન સુધી.

– બાબુલાલ ચાવડા ‘આતુર’

તરીને આવતી!

જામમાં વાતો ભરીને આવતી,
એમ હું દરિયો તરીને આવતી!

ફૂલના એવા બગીચે ઘૂમતી,
આમ તો ખૂબ જ ખરીને આવતી!

મારે પણ પીવી હતી સંભાવના,
એટલે દીવો કરીને આવતી!

હું અને તું આમ ક્યાં જુદા હતા,
વૃક્ષ માફક પાંગરીને આવતી!

-હર્ષિદા દીપક

મળી શકો નહીં!

અઠંગ આંખ હોય પણ ફરક કળી શકો નહીં,
મને મળ્યા પછી, તમે, તમે રહી શકો નહીં;

શરત ગણોતો છે શરત, મમત કહો તો, હા, મમત,
તમે, તમે ન હોવ, તો મને મળી શકો નહીં!

જો થઈ જશે લગાવ તો સ્વભાવ થઈ જઈશ હું,
મથો છતાંય એ પછી મને તજી શકો નહીં!

તરણકળા પ્રવીણ હો, તરી શકો સમંદરો
ડૂબી ગયા જો આંખમાં, તમે બચી શકો નહીં!

-હર્ષવી પટેલ

અવસર નવા નવા

આજે અહીં જુઓ છો જે પથ્થર નવા નવા,
કાલે બની જવાના એ ઈશ્ર્વર નવા નવા.
તારા વિશેનો પ્રશ્ર્ન અનાદિથી એક છે,
કિંતુ મળે છે હર યુગે ઉત્તર નવા નવા.
તો પણ ન જાણે કેમ સતત ખાલી હાથ છે ?
અલ્લાહ રોજ દે છે મુકદ્દર નવાં નવાં.
તારા મિલનની શક્યતા જીવંત રાખવા,
પેદા કરું છું રોજ હું અવસર નવા નવા.
મૃત્યુને ‘રાઝ’ અંત જીવનનો નહીં ગણું,
બદલે છે એ તો જીવ કલેવર નવાં નવાં.
–  ‘રાઝ’ નવસારવી

ભાગી શકાય ના

દર્દ આપ મુજને એવું કે ત્યાગી શકાય ના,
ઊંઘી શકાય ના અને જાગી શકાય ના.

એ બેવફાનો પ્રેમ મળે એ રીતે મને,
ઈચ્છા તો હોય ખૂબ ને માંગી શકાય ના.

આપે તો આપ સ્વર્ગ મને એ પ્રકારનું,
હું પાપ પણ કરું અને ભાગી શકાય ના.

એવું મિલન ન ભાગ્યમાં ‘આદમ’ કદી મળે,
એને મળું અને ગળે લાગી શકાય ના.

-શેખાદમ આબુવાલા