નાટક છેતરે !

પોથીઓ ખોલીને પાઠક છેતરે,
ધન વગરના જેમ ગ્રાહક છેતરે !

સત અસત બન્ને અતિશય ભેળવી,
વાસ્તવિકતાઓને નાટક છેતરે !

ચામડું છે ચામડું વાગે નહીં,
પણ અહીં વાગીને ઢોલક છેતરે !

છેતરે ટીકા કરી કોઈ અને
ત્યાં જ આવીને પ્રસંશક છેતરે !

એક પળની જેમ સામે આવતી,
આવતી એમ જ જતી તક છેતરે !

– ભરત વિંઝુડા

Advertisements

કૈંક ખૂટે છે

અમે પહોચ્યા પરંતુ પામવામાં કૈંક ખૂટે છે,
હજુ પણ ‘હું’ને કેવળ ‘તું’ થવામાં કૈંક ખૂટે છે.

તમે આવ્યાં ખરાં પણ આવવામાં કૈંક ખૂટે છે.
જજો પણ એમ કે લાગે જવામાં કૈંક ખૂટે છે.

અણુ-પરમાણુથી લઈને દિશાઓ ડોલવા લાગી,
છતાં કાં એવું લાગે નાચવામાં કૈંક ખૂટે છે.

બગીચે જઈ અમે ઊંડા ઘણા ઊંડા લીધા શ્વાસો,
તમે ન્હોતાં તો લાગ્યું કે હવામાં કૈંક ખૂટે છે.

હજુયે રાત-દિવસ આવતી યાદોથી સમજાયું,
નથી સંબંધ તૂટ્યો, તૂટવામાં કૈંક ખૂટે છે.

~ ડૉ.મનોજ જોશી ‘મન’

હું ઊભો રહ્યો છું ક્યારનો

શબ્દનો લઇ ભાર હું ઊભો રહ્યો છું ક્યારનો;
ખટખટાવી દ્વાર હું ઊભો રહ્યો છું ક્યારનો.

હાથ સાંકળ ખોલવા માટે મથે છે અંતમાં;
બંધ ઘરની બ્હાર હું ઊભો રહ્યો છું ક્યારનો.

રોકવાના તું પ્રયાસો આજ મુજને કર નહીં ;
ઝટ જવા દે યાર, હું ઊભો રહ્યો છું ક્યારનો.

કાળજામાં આપ બેઠેલા હતા ન્હોતી ખબર;
દઇ બધે પોકાર હું ઊભો રહ્યો છું ક્યારનો.

છોડવાનો છું નહીં આ જિંદગીભર શબ્દને;
લ્યો ,કરીને પ્યાર હું ઊભો રહ્યો છું ક્યારનો.

-જિજ્ઞેશ વાળા

તેજ નોખું હોય છે

હું વગરની હર ઘડીનું તેજ નોખું હોય છે.
આ સમજ આ સમજૂતિનું તેજ નોખું હોય છે.

વીજમાં, વાદળમાં, તડકામાં કે ઠંડીમાં જુઓ,
મોસમી કારીગરીનું તેજ નોખું હોય છે.

એક-બે ટહુકા, તણખલાંનો છે વૈભવ તે છતાં,
સાવ સૂકી ડાળખીનું તેજ નોખું હોય છે.

તળને તાગો કે સપાટીએ તરો એ ગૌણ છે,
જ્યાં અનુભવની ધરીનું તેજ નોખું હોય છે.

રંગ ને સુગંધનો મહિમા ભલે હો ચોતરફ,
પણ, સફેદી સાદગીનું તેજ નોખું હોય છે.

અહિ દીવાલો ને ખૂણા ને ઉંબરાના કારણે,
કેટલીયે જિંદગીનું તેજ નોખું હોય છે.

કૈંક લેવા, આપવાની દોડમાં પણ આખરે,
સ્થિર થાવાની ગતિનું તેજ નોખું હોય છે.

લક્ષ્મી ડોબરિયા

તાસીર હોય છે

જાણે બસ એની જ જાગીર હોય છે,
દર્દની એવી જ તાસીર હોય છે.

એ રમત કરતું રહે છે આમ તો,
આમ પાછું ખૂબ ગંભીર હોય છે.

જો વ્યસન થૈ જાય તો ના ઝટ છૂટે,
વીર પણ એવું અને ધીર હોય છે.

ના કશે કોશિશ એને કાઢવા,
માંસ મજ્જા એકરસ તીર હોય છે.

પળમાં પીછું ફેરવી સૂવડાવી દે,
રાત દિ’ ફરતી એ શમશીર હોય છે.

પ્રતાપસિંહ ડાભી

હાલ આપ

ના કઈ બીજા સવાલ આપ,
આપી શકે તો વહાલ આપ.

આવતી કાલ કે પરમદિવસના કર,
આપી શકે તો અભિહાલ આપ.

વિરહ થયો છે સદીઓનો,
સૌથી પેલા તારા હાલ આપ.

આપું ચૂમીઓ તને ખોબો ભરીને,
મને તારો ગુલાબી ગાલ આપ.

‘હોશ’ બની રહે કાયમ દુનિયામાં, 
એવી સંબંધની તું મિસાલ આપ!

– શ્રેયસ ત્રિવેદી ‘હોશ’

તાપવાનું છે

જનમ લીધો પછી બસ ભાગવાનું છે,
પછી શું કામ એને કોસવાનું છે,
 
ખબર છે કે લખ્યું છે એ થવાનું છે.
પછી કારણ કશું કઇં ભાખવાનું છે ?
 
ભર્યો છે પ્યાર કૈં દિલમાં તમારા પણ,
ફક્ત એ બારણું તો ખોલવાનું છે.
 
જમીનમાં કોળતું એ આપમેળે છે,
તમારે બીજ તો બસ રોપવાનું છે.
 
અપેક્ષા-આશમાં થઇ જિંદગી પૂરી,
હવે બાકી કશું ના ધારવાનું છે.
 
અમારું ઘર બળે છે આગમાં જ્યારે,
ઘણાને આગમાં એ તાપવાનું છે.
 
– રાકેશ ઠક્કર