અમરફળથી

ધરાનું કાવ્ય થયું વ્યક્ત એક કૂંપળથી
ગગનની દાદ મળી એક બૂન્દ ઝાકળથી

નથી ફિકર કે ધકેલે છે સૂર્ય પાછળથી 
મને આ તાપમાં પડછાયો દોરે આગળથી

સમંદરો તો ઘૂઘવવા છતાંય ત્યાંના ત્યાં 
નદી વધે છે લગાતાર મંદ ખળખળથી

તિમિરમાં દૃશ્યો કળાશે જરા સમય વીત્યે
પરંતુ અંધ બની જાય આંખ ઝળહળથી

હું બાગબાની વિશે એને શું બયાન આપું
જે ખુશ્બુ લઈ ન શકે ઝાંખા પીળા કાગળથી

અકાળ મૃત્યુને આંટી દે એવો દુઃખદાયક 
જો ભરથરીને અનુભવ થયો અમરફળથી

– રઈશ મનીઆર

Advertisements

લાગણી જીવાડશે

કોઈને સુખ કોઈને ન્યોછાવરી જીવાડશે
અમને કવિતા નામની સંજીવની જીવાડશે

અણસમજ ભમરાની યજમાની કરી જીવાડશે
જાત ઓઢાડી કમળદળ-પાંખડી જીવાડશે

શું વધારે જોઈએ ? એક કાળજી જીવાડશે
લાખ અછોવાનાં બરાબર લાગણી જીવાડશે

હાથમાં હિંમત નથી ‘ને પગ તો પાણી પાણી છે
તો હવે શ્રદ્ધાની ટેકણલાકડી જીવાડશે

સાચાં-ખોટાંના બધાંયે ભેદ તો સાપેક્ષ છે
શિર સલામત નહિ રહે તો પાઘડી જીવાડશે

શું લખું ? ક્યા શબ્દની આરાધના કેવી કરું ?
ક્યાં ખબર છે ? કઈ રીતે બારાખડી જીવાડશે

ચાલ, થોડી લીલી-સૂકી સાચવીને રાખીએ
કૈં નહીં તો એ સ્મરણ, એ દાબડી જીવાડશે

-સંજુ વાળા

કોઈ સ્પર્ધી દાવમાં સામે મળે

કોઈ સ્પર્ધી દાવમાં સામે મળે,
મિત્રતાની એક નવી તક સાંપડે.
 
સૂર્ય સામે બંડ ફૂંક્યું ઝાકળે,
વાદળાંનો સાથ મળતાં આભલે.
 
એકમાર્ગી થઈને ચાલ્યા’તા અમે
પણ વળાંકો માર્ગ જુદો ચાતરે,
 
સત્યનાં વિપરીત થતાં મૂલ્યાંકનો,
માપ પડતાં ત્યાં અલગ બે ત્રાજવે.
 
આ જગત એહસાસનો છે આયનો
આ જ ચહેરો સાચવીએ આપણે,
 
શબ્દ ગુજરાતી હશે કે ઉર્દુનો,
તોલ કરશું લાગણીના કાટલે.
 
સાયકલની ચેન જેવી જિંદગી
ચાકથી ઉતરી, ન આગળ ચાલશે,
 
‘કીર્તિ’ પાસે ક્યાં હતી રોકડ રકમ,
આબરૂ ચલણી બનાવી વાપરે
 
કીર્તિકાન્ત પુરોહિત

યાતના જેવું સહો

*વાદ કરતાં આયખું ટૂંકું પડે,
સાચ ઠરવું કે સુખી રે’વું કહો.
 
રોગ લઈને સૌ અદેખાઈ તણો,
દુઃખ કેવું યાતના જેવું સહો.
 
વાસના ના સાપ શું પાળ્યા કરો,
જીવ લેશે ઝેર આ કેવું વહો?
 
ભાર હળવો કર અહમ નો તું જરા,
ને પછી જો સર શિખર કેવું અહો!
 
– વિજય પાઠક ‘અમિત’
*’વાદ’ અહીં હરીફાઈ નહિ પણ ‘વાદવિવાદ’ એ અર્થ માં લખ્યું છે.

જિંદગીમાં અભાવ શાથી?

બધું જ હોવા છતાંય સાલે છે જિંદગીમાં અભાવ શાથી? 
ઉધાર છે આ નરી સજાવટ, ને આટલો આ લગાવ શાથી?
 
ઉચાટ શેનો ભર્યો છે દિલમાં ? પૂછે છે ચરણો જવાનું ક્યાં છે?  
ડૂબે છે સૂરજ, ઢળે છે સાંજો, છતાં ન આવે પડાવ શાથી?
 
બીજાની અમથી ભૂલોને  કેવી ભૂલી શકે ના ધરાર કિન્તુ,  
ગુનો કરીનેે પછી સ્વયંનો કરે છે માણસ બચાવ શાથી? 
 
સમાન માટી, સમાન દીવા, ઉજાસ એનો અલગ નથી,પણ, 
સમાન માથાં, સમાન ધડ છે, અલગ-અલગ છે સ્વભાવ શાથી? 
 
સિતમ ગુજારીને એજ લોકો ચઢે છે જોવા ભરી બજારે, 
બિચારા જખ્મીના હાલ જોવા થતો છે ભારે જમાવ શાથી? 
 
તૂટે હવે બસ નયનના બંધો ને થાય રાહત સદાય માટે, 
હ્રદય તરફથી ધસે છે લોહીનો પાંપણો પર દબાવ શાથી?  
     
બધાય જખ્મો રુઝાય ચાલ્યા, ન કોઈ ઝીણી કસર રહી પણ, 
દવાની કેવી અસર હશે આ રહે છે થોડો તણાવ શાથી? 
 
કહી દો જૂઠી હતી એ પ્રીતિ, કરાર, વચનો, ને કોલ જૂઠાં, 
નિભાવવું જો ન’તું કશુંયે કર્યા હતાં એ ઠરાવ શાથી? 
 
તમે કહો છો જરાક ચાલી શું કામ હાંફી જવાય ‘પરશુ’? 
મળે છે રાહોમાં ઢાળ ઓછા અને વધારે ચઢાવ શાથી?
 
– પરશુરામ ચૌહાણ

સ્થળને શોધું છું

ખંડેર સમા આ જીવતરમાં બચપણની પળને શોધું છું
લાચાર કર્યો મોટા બનવા જેણે, એ છળને શોધું છું

મસ મોટા દંભ તણા તાળાં, સંશયની સાંકળ પગે પડી
માણસ આખ્ખાને ખોલી દે કોઈ એવી કળને શોધું છું

સૂરજ અજવાળાને બહાને હરરોજ દઝાડે રૂદિયાને
છો ટમટમતું, પણ તારાના શીતળ ઝળહળને શોધું છું

ઘોંઘાટ, રૂધિર જાણે થઈને, નસ નસમાં વહેતું મનખાની
ટહુકા, કલરવ, સાતે સૂરમાં વહેતાં ખળખળને શોધું છું

શબરીએ ચાખી ચાખીને ભગવનને દીધા’તાં બોર ઘણાં
અણજાણે ત્યાંથી દડી પડ્યાં એકાદા ફળને શોધું છું

મંદિર મસ્જિદ ગિરીજા તો શું, મયખાને પણ હું ફરી વળ્યો
જ્યાં ઓળખ મારી મળે મને બસ એવા સ્થળને શોધું છું.

ડો. જગદીપ નાણાવટી

વરસાદ જેવું જોઇએ

આપણી અંદર મરી પરવારી ગયેલા કોઇએ,
બાગમાં પથ્થર બનીને જન્મ લેવો જોઇએ.

સ્વપ્નના ફાનસના અજવાળામાં જેને જોઇએ,
ખુલ્લી આંખોના આ અંધાપામાં તેને ખોઇએ.

ચાલુ ટ્રેને બારી પાસે બેસવાની વાતમાં,
બારીમાંથી કૂદવા જેવું ઝગડતા હોઇએ.

આંસુની અધિકૃત વિક્રેતા છે થોડી આંખ આ ?
ખાત્રીપૂર્વકનું ને જથ્થાબંધ ક્યાંથી રોઇએ !

પૂર માટે માત્ર સ્થાનિક વાદળો પૂરતાં નથી,
કંઇક ઉપરવાસમાં વરસાદ જેવું જોઇએ.

ખાઇ પીને નાહીને કવિતા નથી બનતી હે દોસ્ત !
લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઇએ.

– મુકુલ ચોકસી