હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?

તને ભીંજવીને કરે તરબતર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?
પડે તો ગજાથી વધુ માતબર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?
સમયસારણીથી ઉનાળો પ્રજાળે, સ્મરણ રાત-દિ મન ચહે ત્યારે બાળે,
બધું ઠારી દઈને કરે બેઅસર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?
મને સૂર્ય બાળે ને વાદળ બનાવે, પવન તારી શેરી સુધી લાવી ઠારે,
ટીપુ થઈ પલાળે તને, તારું ઘર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?
કશુંક ક્યાંક કાયમ રહી જાય કોરું, ખૂણાખાંચરાઓ ચહે એક ફોરું,
પરંતુ કણેકણની રાખે ખબર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?
સદાથી, કદીથી, અટલથી, યદિથી, મને ભીંજવે જે ક્ષણોથી, સદીથી,
વળોટી રહે કાળની સૌ સફર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?
હવે એ પડે છે તો છત્રી બનીને યા ટોપી કે જેકેટ, ગમશુઝ બનીને,
પડે તો બધા આવરણની વગર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?
-વિવેક મનહર ટેલર
Advertisements

થાક્યો

આ કારણ-અકારણ અજંપાથી થાક્યો;
હું કાંઠો છું, મોજાંથી મોજાંથી થાક્યો.

ન દેખાય છે ડુગડુગી કે ન ચાબુક;
અગોચર, અનાહત તમાશાથી થાક્યો.

બુલેટોની ફૂટતી નથી ધણધણાટી;
નિરંતર તકાતા તમંચાથી થાક્યો.

ન છૂટી શકાતું, ન બંધાયલો છું;
હું શ્વાસોના કાયમ સકંજાથી થાક્યો.

સજાની હવે કેટલી રાહ જોવી ?
દલીલો-તહોમત-પુરાવાથી થાક્યો.

ક્ષમા તો કરી દીધી છે ક્યારની મેં;
છતાં મોકલાતા ખુલાસાથી થાક્યો.

મુબારક મને મારાં આંસુ અટૂલાં;
તમારા બધાંના દિલાસાથી થાક્યો.

– ભગવતીકુમાર શર્મા

લ્યો કરે શ્રી ગણેશ ચોમાસું

ખાઈ વાદળની ઠેસ ચોમાસું,
લ્યો કરે શ્રી ગણેશ ચોમાસું;

આપણે નીત ભીના ભીના લથપથ,
આપણો પ્હેરવેશ ચોમાસું;
– મનોજ ખંડેરિયા

વરસાદી સાંજ તરબતર છે, આવી જા સનમ,
માટીનું મહેકતું અત્તર છે, આવી જા સનમ.

ઊઠે છે અંગઅંગમાં તોફાન પ્રેમનાં,
ધોધમાર વરસતું અંતર છે, આવી જા સનમ.

– સુધીર દત્તા

નસનસ આ ફાટીને વહેવા ચાહે છે, 
આ તે કેવો અષાઢી ઉલ્લાસ છે…!

ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું 
કોઈ કારણ પૂછે તો, કહું આસ છે…!

-તુષાર શુકલ

ના કર આંખોની લેવડ દેવડ વરસતા વરસાદમાં,
એક તો ભીંજાયેલ છું. ને તું વધારે ભીંજવે છે!

– શોભના

જમીન અને પાણીનો આ કેવો વ્યવહાર વરસાદમાં,
માટી-માટી ભરીને બેઠી સુગંધનો દરબાર વરસાદમાં.

રીઝે તો ઝરમર ઝરૂખે, રીસે તો આખું આભ ઝૂકે,
ડૂબતી એકલતાની ભૈ થઈ ગઈ સારવાર વરસાદમાં.

-સુરેન્દ્ર થાનકી

સાવ અચાનક ચોમાસાએ કર્યો કાનમાં સાદ,
અને પછી તો ઝરમર ઝરમર કંકુનો વરસાદ!
દસે દિશાઓ કેસૂડાંની થઈ ગઈ રાતીચોળ, 
એક ટેકરી પહેલ વહેલું નાહી માથાબોળ!

-કરસનદાસ લુહાર

 

પ્રભાવ હોય નહીં

શાહિદોનો અભાવ હોય નહીં,
કોઈ છાનો બનાવ હોય નહીં.

શોધતા એ જ હોય છે તરણું,
જેમની પાસે નાવ હોય નહીં.

તેજ તો હોય તારલા પાસે,
સૂર્ય જેવો પ્રભાવ હોય નહીં.

મોહ માયા શું, શું વળી મમતા,
સાધુઓને લગાવ હોય નહીં.

પ્રેમીનું દિલ નથી એ, જેના પર.
‘રાજ’ એકાદ ઘાવ હોય નહીં.

– રાજ લખતરવી

ખબર હશે !

ભૂલી ગયો છું ક્યારનો, એની અસર હશે !
હું બહુરૂપી છું, મૂળમાં શાની સફર હશે ?

હરરોજ સઘળે હાટમાં વેચાય ગમગીની,
મેં શાપમાં પામ્યું હતું તે આ નગર હશે !

ખોદી ઉલેચું મર્મનાં ઊંડાણને સતત,
ત્યાં પણ કદાચિત જીવતો ભૂખ્યો મગર હશે !

મારા વિષેની વાયકા ધરતો નથી બધે,
બળવાન છું હું સમયની સહુને ખબર હશે !

ઉત્સવ તમો છો ઉજવો કેવળ ઉજાસનો,
અફસોસ તમને એ થશે; મારા વગર હશે !

વીરુ પુરોહિત

તમે માનો કે ના માનો

બધાના શ્વાસ અધ્ધર છે, તમે માનો કે ના માનો.
હકીકત એ જ નક્કર છે, તમે માનો કે ના માનો.
અહીં હર આંખમાં છે એક આલિંગનનું આમંત્રણ,
અને હર હાથ ખંજર છે, તમે માનો કે ના માનો.
ફરે છે માનવીના વેશમાં ખંડેર ને સ્મારક,
ઘણા તો સાવ જર્જર છે, તમે માનો કે ના માનો.
નથી જયાં જઇ શકાતું ત્યાંય પહોંચી જાય સપનામાં,
નગર આખું નિશાચર છે, તમે માનો કે ના માનો.
બને તો આપણે બસ એક પળને ભૂલવાની છે,
પછી પળનું જ અંતર છે, તમે માનો કે ના માનો.
– બાબુલાલ ચાવડા ‘આતુર’

ઇશ્વર

સરળતાથી એવા ભળી જાય ઇશ્વર,
છલોછલ જગતમાં ઉમેરાય ઇશ્વર.

ઘણાંને તો મંદિરમાં ઇશ્વર મળે નહિ,
ઘણાંને તો રસ્તે મળી જાય ઇશ્વર.

હવે હું વિચારીને પગલાં ભરું છું,
કરું પાપ ત્યારે ઉઝરડાય ઇશ્વર.

વિના કોઇ યત્ને ગઝલ ઊતરી આવે,
બધું મનમાં જાણે લખી જાય ઇશ્વર.

અહીં સૌને અંગત પ્રભુની પ્રથા છે,
એ લોકોને લીધે વધી જાય ઇશ્વર.

– કિરણસિંહ ચૌહાણ