કોઈ સ્પર્ધી દાવમાં સામે મળે

કોઈ સ્પર્ધી દાવમાં સામે મળે,
મિત્રતાની એક નવી તક સાંપડે.
 
સૂર્ય સામે બંડ ફૂંક્યું ઝાકળે,
વાદળાંનો સાથ મળતાં આભલે.
 
એકમાર્ગી થઈને ચાલ્યા’તા અમે
પણ વળાંકો માર્ગ જુદો ચાતરે,
 
સત્યનાં વિપરીત થતાં મૂલ્યાંકનો,
માપ પડતાં ત્યાં અલગ બે ત્રાજવે.
 
આ જગત એહસાસનો છે આયનો
આ જ ચહેરો સાચવીએ આપણે,
 
શબ્દ ગુજરાતી હશે કે ઉર્દુનો,
તોલ કરશું લાગણીના કાટલે.
 
સાયકલની ચેન જેવી જિંદગી
ચાકથી ઉતરી, ન આગળ ચાલશે,
 
‘કીર્તિ’ પાસે ક્યાં હતી રોકડ રકમ,
આબરૂ ચલણી બનાવી વાપરે
 
કીર્તિકાન્ત પુરોહિત
Advertisements

ખાલીપો

કસ્તરો તો સ્હેજ છે, 
યાદનો એ ભેજ છે. 
 
આંખ જોઈ ના શકે,
તેજ જ્યારે તેજ છે. 
 
આજ ખાલીપો બધે, 
તું નથી ને એ જ છે. 
 
તું નથીની સાબિતી, 
સળ વગરની સેજ છે. 
 
કર્મથી પામી શકો, 
ભાગ્ય ત્યાં આમેજ છે. 
 
‘કીર્તિ’ની પ્રસ્થાપના, 
છાતી પર જે બેજ છે.
કીર્તિકાન્ત પુરોહિત   

વાંક શો?

ચઢ્યા’તા એ ગબડી પડ્યા, ઢાળનો વાંક શો?
તળેટીમાં ઠોકર મળી, પાળનો વાંક શો?
 
જનમથી કાચું પોત લઇ ભાગ્યવશ અવતર્યા,
સુતર તૂટે કાંતતાં, શાળનો વાંક શો?
 
જમાનાની ઉધઈ વળી ઘેરવા ઝાડને,
ગયાં ફળ અને ટહુકા ગયા, ડાળનો વાંક શો?
 
સતત સંપી ટોળું થયું અનુભવી આ યુગે,
સફળ ના થાતો શિકારી, જાળનો વાંક શો?
 
ઘણા મોહિત થઇ ‘કીર્તિ’થી આગ સાથે રમ્યા,
રમતમાં છેવટ દાઝતા, ઝાળનો વાંક શો?
કીર્તિકાન્ત પુરોહિત 

ફણગો બનીને ફૂટવું હોય ત્યારે

ફણગો બનીને ફૂટવું હોય ત્યારે,
ધરતીની સામે બીજ માથું ઉપાડે.
 
હૈયાની આજે કોને પરવા રહી છે?
ગજવું નિહાળી પ્રેમ થાતો જણાશે!
 
પર્ણોને ખરવાની મોસમ હોય નિશ્ચિત,
માણસનું ખરવું ક્યાંક થાતું કટાણે.
 
મારી દિવાલો કાન માંડી સૂણે છે,
જઇને કહેજે બહાર વહેતી હવાને,
 
દોડી જવાનું રોજ સામે પવનમાં,
અહીં ‘કિર્તી’ પણ મળવાની નહોતી પરાણે!

કીર્તિકાન્ત પુરોહિત
(ગઝલ સંગ્રહ ”મુકામ પોસ્ટ ગઝલ” માંથી સાભાર. કિંમત રૂ.૧૨૫/- પ્રકાશક : શબ્દલોક પ્રકાશન, ‘સારસ્વત સદન’ ૧૭૬૦/૧, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ- ૩૮૦૦૦૧ Email: gujratibook@gmail.com Phone:079-22135560/61)

એ ન પૂછો તને કેમ છે

એ ન પૂછો તને કેમ છે,
પ્રશ્ન જાતે જ એક વ્હેમ છે.

આખરે શું ખુદાઇ કરે?
આદતો જેમની તેમ છે.

સાવ ઠંડો હતો સ્પર્શ પણ,
એને વ્હેમ છે કે પ્રેમ છે!

જીભ સૂકવી જતી એ નજર,
શી ખબર એની શું નેમ છે!

દર્દ મારું ઘરેણું બન્યું,
શુધ્ધ સો ટચનું એ હેમ છે!

જો, મઢેલી છબી ભીતરે,
‘કીર્તિ’ તો બહારની ફ્રેમ છે!
– કીર્તિકાન્ત પુરોહિત
(ગઝલ સંગ્રહ ”મુકામ પોસ્ટ ગઝલ” માંથી સાભાર. કિંમત રૂ.૧૨૫/- પ્રકાશક : શબ્દલોક પ્રકાશન, ‘સારસ્વત સદન’ ૧૭૬૦/૧, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ- ૩૮૦૦૦૧ Email: gujratibook@gmail.com Phone:079-22135560/61)

 

આ શહેર છે

Placeholder Image

ભીડમાં એકલપણું સંતાય છે, આ શહેર છે,

પડછાયા એડી તળે ચગદાય છે, આ શહેર છે.

રાત થઇ બેબાકળી શોધે અહીં અંધારને,

તેજ હકડેઠઠ બધે ઠલવાય છે, આ શહેર છે.

ચાલવાનું શિસ્તથી ધોળા ઉભા પટ્ટા મહીં,

પિંજરાની હાશ કંઇ વરતાય છે, આ શહેર છે.

નાકથી એક વ્હેંત છેટે તક સદા આગળ રહે,

દોડ એની એ, ઝડપ બદલાય છે, આ શહેર છે.

– કીર્તિકાન્ત પુરોહિત

(ગઝલ સંગ્રહ ”અંચઇ નઇં કરવાની” માંથી સાભાર. કિંમત રૂ.૧૨૫/- પ્રકાશક : શબ્દલોક પ્રકાશન, ‘સારસ્વત સદન’ ૧૭૬૦/૧, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ- ૩૮૦૦૦૧ Email: gujratibook@gmail.com Phone:079-22135560/61)

 

વચ્ચે ઉભો છું હું

સાર ને પ્રસ્તારની વચ્ચે ઉભો છું હું,
ધાર ને મઝધારની વચ્ચે ઉભો છું હું.

એક પા છે આગ ને બીજી તરફ દરિયો,
માર ને પ્રતિકારની વચ્ચે ઉભો છું હું.

ભાવ ઘટતાં લાગણીનો ના થયો સોદો,
પ્યાર ને વ્યાપારની વચ્ચે ઉભો છું હું.

વિસ્મરણની છે સફર અદ્દલ સ્મરણ જેવી,
ભાર ને નિર્ભારની વચ્ચે ઉભો છું હું.

આંગણે પાછો ફર્યો વર્તુળની યાત્રામાં,
ત્યાર ને અત્યારની વચ્ચે ઉભો છું હું.

‘કીર્તિ’ પણ આખર જતી મક્તાના ચરણોમાં,
હાર ને સ્વીકારની વચ્ચે ઉભો છું હું.

કીર્તિકાન્ત પુરોહિત